એક્ટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ અને બિઝનેસમેન રાજીવ સેન અને તેની એક્સ વાઇફ ચારુ આસોપા (એક્ટ્રેસ) વચ્ચેનો વિવાદ ફરી ગરમાયો છે. છૂટાછેડા પછી ચારુ સતત વ્લોગ (યુટ્યુબ પર અપલોડ કરવામાં આવતા વીડિયો લોગ) અને ઇન્ટરવ્યૂ મારફતે રાજીવ પર ગંભીર આરોપ લગાવી રહી છે. હવે તેના જવાબમાં રાજીવે પૂર્વ પત્ની વિરૂદ્ધ કોર્ટમાં જવાની ચેતવણી આપી છે.
તાજેતરમાં ચારુ આસોપાએ રાજીવનો ઉલ્લેખ કરીને એક વ્લોગ શેર કર્યો હતો, જેનું ટાઇટલ હતું- ‘હું ખૂબ જ દુઃખી છું’
તેના જવાબમાં, રાજીવે હવે એક વ્લોગ શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, ‘કઈ વાતે તને દુઃખ થાય છે, આ કોઈ રીત નથી. જ્યારે તમે મારા વિરૂદ્ધ કલાકો સુધી ઇન્ટરવ્યૂ આપતા હતા, ત્યારે તો મેં કે મારા પરિવારે કંઈ કહ્યું નથી. તમે ઘણા વ્લોગ બનાવ્યા, જેમાં મને ખૂબ બદનામ કરવામાં આવ્યો. માત્ર મને જ નહીં, મારા પરિવારને પણ બદનામ કરાયો. ચારુ, બધા જોઈ રહ્યા છે. તમે આનંદ કરી લો, મને ખબર છે કે ઘણા નફરતભર્યા કમેન્ટ્સ મળી રહ્યા છે, પણ હકિકત શું છે તે બધા જાણે છે.’
રાજીવે વ્લોગમાં એમ પણ કહ્યું છે કે, ચારુ અસોપા તેની વિરુદ્ધ પીઆર ચલાવવા માટે પૈસાનો દુરુપયોગ કરી રહી છે. ચારુએ છૂટાછેડા સમયે પણ કહ્યું હતું કે, પ્રેગ્નેન્સી દરમિયાન રાજીવ તેની સાથે નહોતો. આ અંગે રાજીવે કહ્યું છે કે, ‘બધા દર્શકો જાણે છે કે પ્રેગ્નેન્સી દરમિયાન હું આખો સમય તમારી સાથે હતો. હોસ્પિટલથી લઈને ઘરે આવવા સુધી. તે બધા વ્લોગ યુટ્યુબ પર છે, જે આપણે શૂટ કર્યા હતા. બધાએ જઈને જોવું જોઈએ કે, રાજીવ સેન ચાર મહિના માટે દિલ્હી ભાગી ગયો હતો, તે હકીકતમાં કેટલું સત્ય છે.’
રાજીવે એવો પણ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેમની પુત્રી જિયાના 8 મહિનાની હતી, ત્યારે ચારુ તેને આયા પાસે છોડીને જન્મદિવસની પાર્ટી માટે દિલ્હી જતી રહી હતી.
વ્લોગના અંતે, રાજીવે ચેતવણી આપતા કહ્યું કે, ‘લોકો મને ખૂબ પ્રેમથી સમજાવી રહ્યા છે કે રાજીવ, જો તેનામાં બાળપણ છે, તો તે નાટક કરતી રહે છે, તમે જાણો છો, તેમાં કંઈ નવું નથી, પરંતુ તમારે તેના સ્તરે ન જવું જોઈએ. તમારે YouTube પર કંઈ કહેવાની જરૂર નથી, કોર્ટમાં જાવ અને સમાધાન કરી લો. તે લોકોની વાત એકદમ સાચી છે યાર, ક્યાં સુધી આ બધુ ચાલશે, મેં તેના પર ધ્યાન ન આપવાનો ખૂબ પ્રયાસ કર્યો, મેં ઘણા પ્રયત્ન કર્યા કે ગેરસમજ, ઝઘડા અને ગંદા ઝઘડા કોર્ટ સુધી ન જાય, પણ મને લાગે છે કે હવે મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નથી. મેં ઘણું બધું સહન કર્યું અને તેના કારણે મારા પરિવારને પણ ઘણું બધું સાંભળવું પડ્યું છે. પણ જ્યારે મારા આત્મસન્માનની વાત આવે છે, હું ચોક્કસપણે મારી જાતને બચાવીશ. મને આવા વીડિયો બનાવવાની જરૂર નહીં પડે.’
નોંધનીય છે કે, ચારુ આસોપાએ 2019માં સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના ઘરે 2021માં દીકરી જિયાનાનો જન્મ થયો હતો. જોકે, બંનેના સંબંધોમાં તિરાડ પડ્યા પછી બંનેએ 8 જૂન 2023ના રોજ છૂટાછેડા લઈ લીધા. જોકે બંને મળીને જિયાનાનો ઉછેર કરી રહ્યા છે.